વડોદરા

વડોદરા મેરેથોનમાં 7 દેશના સ્પર્ધકો સહિત 82 હજારથી વધુ રનર્સે દોડ લગાવી

વડોદરા : નવલખી મેદાન પર આજે વહેલી સવારે વડોદરા આંતરરાષ્ટ્રીય ફુલ મેરેથોનની ૧૨મી આવૃત્તિને મુખ્યમંત્રીએ ફ્લેગઓફ આપ્યો હતો. આશરે ૮૨ હજારથી વધુ લોકોેએ મેરેથોનમાં દોડ લગાવી હતી જેમાં મોટાભાગના લોકોએ ફનરનમાં ભાગ લીધો હતો.

એશિયાની સૌથી મોટી મેરેથોન તરીકે નામના મેળવેલ વડોદરા મેરેથોનમાં આ વખતે ૧.૨૩ લાખ જેટલા રજિસ્ટ્રેશન થયા હતા. જેની નોંધ વર્લ્ડ બુક ઓફ રેકોર્ડમાં પણ કરવામાં આવી છે. મુખ્યમંત્રીની હાજરીમાં વડોદરાના ધર્મગુરૃઓ, સામાજિક આગેવાનો અને રાજકીય અગ્રણીઓની ઉપસ્થિતિમાં હેરિટેજ ફનરનને ફ્લેગ ઓફ આપવામાં આવ્યો હતો. આ દોડમાં વડોદરા સહિત રાજ્યના અલગ અલગ શહેરોમાંથી આવેલા આશરે ૭૦ હજારથી વધુ દોડવીરોએ દોડ લગાવી હતી. તે પૂર્વે ૪૨ કિ.મી.ની ફુલ મેરેથોન, ૨૧ કિ.મી.ની હાફ મેરેથોન, ૧૦ કિ.મી.ની અને ૫ કિ.મી.ની રનને ફ્લેગ ઓફ અપાયા હતા. કુલ મળીને ફુલ મેરેથોનના ૩૦૦ મળીને આશરે ૮૨ હજાર રનર્સ દોડયા હતા.

નવલખી મેદાનમાંથી નીકળેલો રનર્સનો પ્રવાહ વડોદરાના મુખ્યમાર્ગો ઉપર પહોંચ્યો ત્યારે માર્ગો પણ રનર્સથી ઉભરાઇ ગયા હતા. રનર્સની મદદ માટે ૪૨ કિ.મી.ના રૃટ ઉપર હેલ્થ પોઇન્ટ સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરાઇ હતી. ફુલ અને હાફ મેરેથોનના સ્પર્ધકો માટે સ્વયંસેવકો, બાઇક અને વાનમાં સતત સાથે રહ્યા હતાં.ખાસ વાત એ હતી કે મેરેથોનમાં મહિલાઓ પણ મોટી સંખ્યામાં જોડાઇ હતી.વડોદરા મેરેથોના ચેરપર્સન તેજલ અમીને કહ્યું હતું કે વડોદરાના લોકોની ઊર્જા અદ્ભુત છે. ફિટનેસ, ટ્રાફિક સુરક્ષા અને સસ્ટેનેબિલિટીની પ્રતિબધ્ધતાની ભાવનાથી આજે વાતાવરણ વાઇબ્રન્ટ થઇ ગયુ હતું.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!