
વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અને શક્તિપીઠ અંબાજી ખાતે માતાજીની અસીમ કૃપાથી શ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવના અંતિમ દિવસે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓએ દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. આ પ્રસંગે પ્રવેશ ચોક ખાતે સમગ્ર પરિક્રમા માર્ગમાં સ્વચ્છતા જાળવનાર સફાઇ કર્મીઓનું જિલ્લા કલેકટર મિહિર પટેલ દ્વારા ખેસ પહેરાવીને સન્માન કરવામાં આવ્યું હતું.

રાઉન્ડ ધ ક્લોક સ્વચ્છતા કરી હતી
આ તકે જિલ્લા કલેકટરે જણાવ્યું હતું કે, અંબાજી પરિક્રમાને સ્વચ્છ અને સુંદર બનાવવા માટે સફાઈ કર્મીઓનું યોગદાન સૌથી મહત્વનું રહ્યું છે.અંબાજી ખાતે અંબાજી શક્તિપીઠ પરિક્રમા ખાતે સ્વચ્છતા પર ખાસ ભાર મૂકવામાં આવ્યો હતો. આ માટે જિલ્લા વિકાસ અધિકારી એમ.જે.દવેની અધ્યક્ષતામાં ૫૫૦થી વધુ સફાઈ કર્મીઓએ રાઉન્ડ ધ ક્લોક સ્વચ્છતા જાળવી હતી તે તમામ સફાઈ કર્મીઓની કામગીરીને બિરદાવવામાં આવી હતી.
પરિક્રમા મહોત્સવમાં તમામ કર્મચારીઓએ જવાબદારી નિભાવી
અંબાજી ગબ્બર ખાતે એક જ જગ્યાએ ૫૧ શક્તિપીઠોના દર્શન કરવાનો લ્હાવો મળતા સમગ્ર રાજ્યમાંથી લાખોની સંખ્યામાં યાત્રિકો ઉમટી પડ્યા હતા. તા. ૯ મી ફેબ્રુઆરીથી શરૂ થયેલા “શ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ” ના છેલ્લા દિવસે ૧૧ મી ફેબ્રુઆરી સુધીમાં લાખો શ્રધ્ધાળુ-યાત્રાળુઓએ શ્રી ૫૧ શક્તિપીઠના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. ત્રણ દિવસીય આ મહોત્સવ દરમિયાન પરિવહન, પરિક્રમા, ભોજન પ્રસાદ, વિસામો, પાણી , આરોગ્ય, વીજળી, કાયદો વ્યવસ્થા અને સ્વચ્છતા સહિતની નિઃશુલ્ક વ્યવસ્થાઓનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.જેની જવાબદારી નિભાવનાર તમામ કર્મચારીઓને પણ સન્માનિત કરાયા હતા.