વડોદરા
વડોદરા ના સયાજીપુરામાં 13 તોલાના સોનાના દાગીના, 8 લાખ રોકડની ઘરમાંથી થઈ ચોરી

વડોદરામાં તસ્કરો બેફામ બન્યા છે અને જાણે કે પોલીસનો કોઈ ડર જ ના હોય તેવી રીતે શહેરમાં ચોરીની ઘટનાઓ દિન-પ્રતિદિન વધી રહી છે. ત્યારે શહેરના સયાજીપુરામાં તસ્કરોએ તરખાટ મચાવ્યો છે અને પોલીસના નાઈટ પેટ્રોલિંગના ધજાગરા ઉડાડ્યા છે. આજવા રોડના સયાજીપુરામાં આવેલી સેવાકુંજ સોસાયટીમાં ચોરીની ઘટના બની છે.
પરિવારજનો ભાવનગર લગ્નની તારીખ નક્કી કરવા માટે ગયા હતા અને કલાકમાં જ તસ્કરોએ ચોરીનો ખેલ પાડી દીધો છે. તસ્કરો 13 તોલા દાગીના અને દીકરીના લગ્ન માટે એકત્ર કરેલા 8 લાખ રૂપિયા રોકડાની ચોરી કરીને ફરાર થઈ ગયા છે. વહેલી સવારે 5 વાગ્યે બાઈક પર ચોરની ત્રિપુટી આવી હતી અને ગણતરીની મિનિટોમાં ચોરીની ઘટનાને અંજામ આપીને ચોર ત્રિપુટી ફરાર થઈ ગઈ છે.